સિંહાસનબત્રીસી
ડૉ. સુધા ચૌહાણ
વ્યાખ્યાન સંક્ષેપ :
પ્રાચીન ભારતીય કથાસાહિત્ય સમગ્ર વિશ્વમાં અનન્ય છે. એમાં પણ વિક્રમવિષયક વાર્તાઓ- વાર્તાચક્રોનું આ કથા સાહિત્યમાં અનેરું સ્થાન છે. વિક્રમ નામ બોલતાં જ આંખો સમક્ષ ખડો થાય છે પરદુઃખભંજક રાજા. જે અંધાર પછેડો ઓઢી પોતાની પ્રજાનાં સુખ દુઃખ જોવા નગરચર્યા માટે નીકળી પડે છે. ભારતીય પ્રજા માટે જેમ રામ-કૃષ્ણના ચરિત્રો હ્રદયસ્થ છે, એમ જ વિક્રમનું પાત્ર ભારતીય જનમાનસમાં વિરાજમાન છે.
વિક્રમ વિષયક કથાનકોની સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને જૂની ગુજરાતી સુધી દીર્ઘ પરંપરા રહીં છે. એ પરંપરામાં જૈન-જૈનેતર સર્જકો પાસેથી વિક્રમ વિષય અનેક કથાઓ પ્રાપ્ત થાય છે. જે અંતર્ગત સોળમી સદીના જૈન સર્જક સિધ્ધિસૂરિ કૃત ‘સિંહાસનબત્રીસી’ આ કથા પરંપરામાં એક મહત્વની રચના છે. આ કૃતિમાં મધ્યકાલીન જૈન અને જૈનેતર બન્ને પરંપરાઓનો સુંદર સમન્વય છે. એ રીતે આ કૃતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક મહત્વની રચના છે.