આચાર્ય હરિભદ્રસૂરિ
શ્રી. શિલ્પા છેડા
જૈન આગમ અને આગમેત્તર સાહિત્યને આચાર્ય હરિભદ્રસૂરિએ સમૃદ્ધ કર્યું છે. પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓમાં એમનું પ્રભુત્વ તેમની રચનાઓથી જોવા મળે છે. જનભાષામાં કથાઓના માધ્યમથી તેઓએ જૈન તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો અને સંસ્કૃત ભાષાનો ઉપયોગ વાદ-વિવાદ માટે કર્યો. આગમો પર સંસ્કૃત ટીકાઓ એમણે લખી. જૈન આગમમો સંસ્કૃતમાં લખનાર તેઓ પહેલા આચાર્ય છે. સમારાઈચકહા ધ્યૂતાખ્યાન જેવી કથાઓના માધ્યમથી તેઓ જનસામાન્યમાં વિખ્યાત છે. તેમણે જૈન સિદ્ધાંતોને તર્કથીસ્થાપિત કરવા ષડ્દર્શન સમુચ્ય, શાસ્ત્રવાર્તા સમુચ્ય અને અનેકાંત જયપતાકા જેવા ઉત્કૃષ્ટ ગ્રંથોની રચના કરી. આવા અદ્દભુત વ્યક્તિત્વનો પ્રભાવ સદીઓ પછી પણ જૈન દર્શનમાં યથાવત રહેશે.