લોકપ્રકાશ ગ્રંથ
– ડૉ. પાર્વતી ખીરાણી (ગાલા)
આ પરિવર્તનશીલ સંસારમાં ભ્રમણ કરતા કરતા અનંતાનંત જીવરાશિમાંથી એક જીવ ૧૭મી સદીમાં ઉપાધ્યાય વિનયવિજયજીની પર્યાયમાં આવ્યો ત્યારે એમણે શ્રેષ્ઠ શાસક-પ્રભાવક બનીને જીવન ઉજાગર કરી દીધું હતું. એમના ચિત્તમાં ચારિત્રનો ચમકાર હતો, તો તનમાં તપનો તરવરાટ હતો. સમ્યકત્વના પ્રકાશથી જ્ઞાનપંથે ચાલતાં ચાલતાં અક્ષરે અક્ષરે આગમને આવકાર્યું હતું, તો શબ્દે શબ્દે સિદ્ધાંતને સત્કાર્યું હતું. મસ્તકમાં રહસ્યોદ્ઘાટન કરવાની રિદ્ધિ હતી, તો વક્તવ્યમાં એને પ્રસ્તુત કરવાની સિદ્ધિ હતી. વાક્યે વાક્યે વાદીઓને પરાસ્ત કરવાની બુદ્ધિ હતી, તો શ્લોકે શ્લોકે સફળતા પમાડનારી સ્મૃતિ હતી. જેનાથી એમણે જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. સાહિત્યાકાશમાં વિચરતા વિચરતા અનેક ગ્રંથોનું સર્જન કરીને સાહિત્ય- ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં પોતાનું નામ સ્વર્ણાક્ષરે અંકિત કરી દીધું છે.