વ્યાખ્યાન વિષય: ‘જૈન બારમાસા કાવ્ય પરંપરા‘
ડૉ.નિરંજન રાજ્યગુરુ
વ્યાખ્યાન સંક્ષેપ :
બારમાસા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઋતુકાવ્યનો એટલે કે ફાગુ કાવ્ય જેવો જ પદ્ય ગેય પ્રકાર છે. જે જૈન તથા જૈનેતર અને કવિઓ દ્વારા રચાતો આવ્યો છે. મધ્યકાળના કવિઓ માટે ફાગુ કાવ્ય પછીનો પ્રિય પદ્ય પ્રકાર તે ‘બારમાસી’ કે ‘બારહ માસા’. વેદકાલીન ઋતુવર્ણનની પરંપરા ભારતની તમામ ભાષાઓમાં ‘બારમાસા’ તરીકે ઉભરી આવી છે. જેમાં પ્રકૃતિની વિધવિધ ઋતુઓની લીલાના વર્ણન સાથે વિરહની વ્યથા, મિલનનો ઉલ્લાસ, સંયોગ, ધર્મ, ભક્તિ, વૈરાગ્ય જેવાં અનેક માનવચિત્તમાં અનુભવાતાં સંવેદનોનું આલેખન બારમાસી કાવ્યોમાં થતું હોય છે. બહુધા આવી રચનાઓમાં બાર માસ અંતર્ગત આવેલી છ યે ઋતુના વિરહને અંતે નાયક-નાયિકાનું મિલન થતું જોવા મળે છે. પણ બારમાસી કાવ્યનો મુખ્ય રસ કરુણ રસ હોય છે. મધ્યકાલીન જૈનસાહિત્યમાં વિવિધ જૈન કવિઓ દ્વારા પચાસ જેટલી ‘બારમાસા’ રચનાઓ પ્રાપ્ત થાય છે. નેમ-રાજુલની કથા સાથે જોડાયેલી છેતાલીશ જેટલી અને સ્થૂલિભદ્ર કથા સાથે જોડાયેલી બે રચનાઓ સાથે ‘રાયચન્દ્રસૂરિ બારમાસા’ અને ‘ધર્મસૂરિ બારમાસા’ નામની બે રચનાઓ ગુરુમહિમા-ગુરુવિરહ-પરમાત્મસ્તવન જેવાં તત્વો ધરાવે છે. બારમાસી કાવ્યના ઉદ્દભવ સાથે મધ્યકાળના સામાજિક જીવનને પણ ઘેરો સંબંધ છે. એ કાળે લશ્કરમાં ચાકરીએ પરદેશ જતા પુરુષો અને એના વિયોગમાં ઝૂરતી ગ્રામનારીઓની પ્રબળ વેદના આ સાહિત્યપ્રકાર સાથે સંકળાયેલી છે.