સ્તોત્રાધિરાજ શ્રી વર્ધમાન શક્રસત્વ | વક્તા : અતુલકુમાર વ્રજલાલ
લાખો ભક્તજનો દેવાધિદેવરૂપે જેમની ભક્તિ-ઉપાસના કરે છે તે તીર્થકર ભગવંતોનું આંતરિક ગુણ સૌંદર્ય એવું અદ્ભુત હોય છે કે એની ઝલક દર્શાવવા માટે ‘વર્ધમાન શક્રસ્તવ’ ગ્રન્થમાં પૂરા બસો તોંતેર અફલાતૂન વિશેષણો પ્રસ્તુત કરાયા છે. એમાં એક વિશેષણ એ છે કે પરમાત્મા ભૌતિક સુખ અને દુ:ખથી સર્વથા રહિત છે. માત્ર આત્મિક સુખના સાગરમાં સદાકાળ નિમગ્ન રહેનાર પરમાત્મા આ અવસ્થા એટલે પામે છે કે તેઓ સાધના કાળ દરમિયાન બ્રાહ્ય સુખમાં લીન કે બાહ્ય દુ:ખમાં દીન બન્યા ન હતા. આની સામે આપણી તકલીફ એ છે કે આપણે વહી ગયેલ સુખને યાદ કરી કરીને ઝૂરીએ છીએ અને રહી ગયેલ દુ:ખની ફરિયાદ કરી કરીને મરીએ છીએ. પરમાત્માનું વિશેષણ એ સંદેશ આપે છે કે સુખની યાદ છોડો અને દુ:ખની ફરિયાદ છોડો. આવી ખુમારીથી જીવીશું તો આપણેય બાહ્ય સુખ:દુખ જ્યાં સ્પર્શે નહીં એવા કક્ષા સર કરી શકીએ.’’