‘ઉપમિતિ ભવપ્રપંચા કથા’
વક્તા : ડૉ. જિતેન્દ્ર શાહ
સિદ્ધર્ષિગણીએ રચેલી ‘ઉપમિતિ ભવપ્રપંચા કથા‘વિશ્વની પ્રથમ રૂપકથા છે. આ ગ્રંથમાં ભૂમિતિ એટલે રૂપક દ્વારા ભવ્ય અર્થાત સંસારના વિસ્તારની કથા વર્ણવવામાં આવી છે. સિદ્ધર્ષિગણી સંસ્કૃતભાષા, જૈનાગામો, ભારતીય દર્શનો, આદિના પ્રકાંડ વિદ્વાન હતા. બૌદ્ધ ધર્મ ભણવા માટે વારંવાર બૌદ્ધ મઠોમાં પરિભ્રમણ કરતા હતા. અંતે ગુરુ મહારાજે તેમના ચિત્તની ચંચળતા દૂર કરવા માટે આચાર્ય હરિભદ્ર સુરિ વિરચિત લલિત વિસ્તારા ગ્રંથ વાંચવા આપ્યો. આ ગ્રંથના અધ્યયનથી તેમના તમામ ભ્રમો વિલુપ્ત થઈ ગયા અને તેમાંથી જ તેમને ‘ઉપમિતિ ભવપ્રપંચા કથા‘રચવાની પ્રેરણા મળી. આઠ પ્રસ્તાવ વાળા આ ગ્રંથમાં પ્રથમ પ્રસ્તાવમાં પોતાની જ વાત કરી કેવી રીતે ધર્મ માર્ગે આગળ વધ્યા તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયો સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાર્ણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો તથા હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ આ વ્રતોનો પરસ્પર સંબંધ અને તેના કારણે ભવ ભ્રમણની કથા તથા માનવ મનની વિભિન્ન દશાઓને રૂપકો દ્વારા અદ્ભુત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એક નિષ્પુણ્યક નામનો દુઃખી માણસ સદાગમનામના આચાર્યના સંપર્કમાં આવે છે અને પોતાના પતન અને ઉત્થાનની લાંબી કથા કરે છે. અંતે સાધના દ્વારા મુક્ત થાય છે. તેની આ એક અદ્ભૂત રૂપકથા છે. અનેક સંત-મહાત્માઓની આ પ્રિય કૃતિ છે. આ ગ્રંથના અંતે સ્વયં ગ્રંથકાર કહે છે કે, આ કથા એ દરેકને પોતાના જીવનની જ આત્મકથા જણાશે. આવી આ અદ્ભૂત કથા ઉપર વિશિષ્ટ વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે, તેમાં સહુને ઉપસ્થિત રહેવા વિનંતી.