વ્યાખ્યાન વિષય:‘ભરતેશ્વર બાહુબલિ રાસ‘
પ્રો. ડૉ. બળવંત જાની
વ્યાખ્યાન સંક્ષેપ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટેભાગે જૈનધર્માધારિત હતું. એ સમયગાળામાં વિશિષ્ટ રીતે અલગ પડી આવતું કોઈ સ્વરૂપ હોય તો તે ‘રાસ’ છે. રાસનો મહત્વનો ગુણ એ છે કે તેના કેન્દ્રમાં કોઈ એક મહાન ચરિત્ર હોય છે.
ગુજરાતી ભાષામાં રચાયેલી રાસ કૃતિઓમાં સૌથી જૂની કૃતિ શાલિભદ્રસૂરિ કૃત ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ જોવા મળે છે. પાશ્ચાત્ય સમયપત્રક પ્રમાણે લગભગ ઈ.સ. ૧૧૮૫ની આસપાસનો સમય હોવાનો સંભવ છે. જૈન કથાસૂત્રોમાં બહુ પ્રચલિત એવું ઋષભદેવનું કથાનક કૃતિના કેન્દ્રમાં છે. તેમના બે પુત્રો ભરત અને બાહુબલીના સંઘર્ષને અહીં કાવ્યાત્મક રીતે નિરુપિત કરવામાં આવ્યો છે. છંદવિધાન, ભાષાલાલિત્ય, રસસમૃદ્ધિ જેવા પરિમાણોને આધારે, યુદ્ધકલાના ધીરગંભીર વાતાવરણનો સ્પર્શ કરાવતી નોંધપાત્ર કૃતિ દ્વારા પરિપક્વ ઉર્જાનો અનુભવ કરીશું.