શ્રીપાલરસ – કથાના માધ્યમે આત્માનુભૂતિ | વ્યાખ્યાતા : ડૉ. અભય દોશી
‘શ્રીપાલરાસ’ એ જૈનધર્મ-સાહિત્યની અતિપ્રસિધ્ધ કૃતિ છે. વિનયવિજયજી અને યશોવિજયજીની આ સંયુકત રચનાનું દર ચૈત્ર અને આસો મહિનાની આયંબિલની ઓળીમાં વાંચન કરવામાં આવે છે.આ રચના, કથા તરીકે તો રસમય છે જ, સાથે જૈનધર્મના આરાધ્ય તત્ત્વો સુદેવ, સુગુરુ અને સુધર્મના રહસ્યનો ‘નવપદ’ ના માધ્યમથી પરિચય કરાવે છે. સત્ત્વ, તત્ત્વ અને સૌંદર્યથી અલંકૃત આ રચનાનો નવપદઓળીના પ્રસંગે તેના હાર્દનો પરિચય પ્રસ્તુત છે. આ કથામાં શ્રીપાલના જીવનની પડતી અને ચઢતીની રસમય કથા છે. મયણાનું અપૂર્વ સમર્પણ ભારતીય સતીનું જાજ્વલ્યમાન ગૌરવ છે, તો સાથે જ શ્રીપાલનું દાક્ષિણ્ય દાંપત્યની માંગલ્યશીલાનો સ્તંભ છે. સિરિસિરિવાલા કહાથી પ્રારંભી શ્વેતાંબર, દિગંબર પરંપરાના અનેક કવિઓએ આ કથાની રસમય પ્રસ્તુતિ કરી છે. પરંતુ આ પ્રસ્તુતિમાં આ યુગલકવિની રચના શિખરસમી છે.